Tapi River: સુરત શહેરની જીવાદોરી સમાન, પવિત્ર મા તાપીનો જન્મોત્સવ આજે અષાઢ સુદ સાતમના પાવન અવસરે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી નદીના વિવિધ ઘાટો પર વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, કુરુક્ષેત્ર ઓવરા ખાતે તાપી માતાને 1300 મીટર લાંબી ભવ્ય ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.
તાપી માત્ર નદી નહીં સુરતનો પ્રાણ
તાપી નદી દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા લોકો માટે આશીર્વચનરૂપ છે. કહેવાય છે કે, મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈતુલના મુલતાઈ ગામ પાસે અષાઢ સુદ સાતમના દિવસે તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું. મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઈને ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઈ, આ પવિત્ર નદી સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે.
તાપી નદીને સૂર્યપુત્રી તરીકે કેમ ઉલ્લેખવામાં આવી છે
સુરતીઓ માટે તાપી માતાનું મહત્ત્વ અપાર છે. તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર, બ્રહ્માજીએ પૃથ્વીના સર્જનની કથામાં જણાવ્યું છે કે સૂર્યનારાયણની અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થતાં, તેમની સહાનુભૂતિથી જમણી આંખમાંથી સરી પડેલાં આંસુઓમાંથી તાપી નદી બનીને વહેવા લાગી. અનેક પુરાણ ગ્રંથોમાં તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઉલ્લેખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ગંગા, નર્મદા, સરયુ અને સાબરમતી જેવી નદીઓનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ સૂર્યપુત્રી તાપી નદીનું પ્રાગટ્ય થયું હતું.
આસ્થા અને ઇતિહાસનું સંગમ
તાપી નદીનું મહત્ત્વ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ તેનો ઐતિહાસિક અને આર્થિક પાસું પણ એટલું જ ઉજ્જવળ છે. 16મી અને 17મી સદીમાં સુરત એક મહત્ત્વનું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાંથી મોટા પાયે વેપાર થતો હતો. તાપી નદી દ્વારા સુરતનું બંદર યુરોપ, આફ્રિકા, ઈરાન અને એશિયાના વિવિધ બંદરો સાથે જળમાર્ગે જોડાયેલું હતું. એ સમયે તાપી નદીમાં 1500 ટન સુધીની ભારક્ષમતાવાળા વહાણો આવી શકતા હતા, જે તેની ઊંડાઈ અને વિશાળતાનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.
ભક્તિમય ઉજવણી
જન્મોત્સવના આ પાવન અવસરે સાંજે જુદા જુદા ઘાટો પર વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવી હતી. નાવડી ઓવારા ખાતે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરતીઓ દર વર્ષે આસ્થા અને ઉમંગ સાથે તાપીમૈયાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરે છે, ઘાટ પરથી ચૂંદડી અર્પણ કરી અને સાંજ સમયે પૂજા-અર્ચના તથા આરતી કરી ભક્તિભાવ વ્યક્ત કરે છે. તાપી નદીનું સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે તેવી શ્રદ્ધા સુરતીઓમાં દ્રઢ છે.