નીરજ ચોપરા NC 2025: ભારતના ગોલ્ડન બોય અને ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ શનિવારે પોતાના નામે યોજાયેલી પ્રથમ ‘નીરજ ચોપરા ક્લાસિક’ ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી અને ટાઇટલ જીત્યું. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં નીરજ ચોપરાએ 86.18 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
સ્પર્ધામાં કુલ 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્યાના જુલિયસ યેગો 84.51 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે શ્રીલંકાના રુમેશ પાથિરાજે 84.34 મીટરના ફેંક સાથે ત્રીજા સ્થાને રહ્યા
આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા માન્યતા પ્રાપ્ત ગોલ્ડ લેવલ ટુર્નામેન્ટ હતી, જે ભારતની જેવલિન થ્રો પર કેન્દ્રિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હતી. જેમાં કુલ 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્યાના જુલિયસ યેગો 84.51 મીટરના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે શ્રીલંકાના રુમેશ પાથિરાજે 84.34 મીટરના ફેંક સાથે ત્રીજા સ્થાને રહ્યા.
નીરજ ચોપરાનો પહેલો પ્રયાસ ફાઉલ હતો, પરંતુ તેણે બીજા પ્રયાસમાં 82.99 મીટરનું અંતર કાપીને લીડ મેળવી હતી. ત્રીજા પ્રયાસમાં તેણે 86.18 મીટર ફેંકીને બધાને પાછળ છોડી દીધા. આ પછી, તેણે અનુક્રમે 84.07 મીટર અને 82.22 મીટરના થ્રો કર્યા, જ્યારે એક થ્રો ફરીથી ફાઉલ થયો.
ટાઇટલ જીત્યા પછી, નીરજ ચોપરાએ કહ્યું કે, “બેંગલુરુનો ખૂબ ખૂબ આભાર. આજે અમારા માટે હવાની દિશા વિરુદ્ધમાં હતી, જેના કારણે થ્રો અંતર પર અસર પડી, પરંતુ અનુભવ ખૂબ જ અલગ હતો કારણ કે આ વખતે મારે ફક્ત સ્પર્ધા કરવાની જ નહીં પરંતુ ઘણી અન્ય આયોજન જવાબદારીઓ પણ નિભાવવાની હતી. અમે ભવિષ્યમાં આ ટુર્નામેન્ટમાં વધુ ઇવેન્ટ્સ ઉમેરવાનો પ્રયાસ કરીશું. મને ખૂબ આનંદ છે કે, મારો પરિવાર પણ આજે અહીં હાજર હતો.”
ઉલ્લેખનીય છે કે, ‘નીરજ ચોપરા ક્લાસિક’નું આયોજન JSW સ્પોર્ટ્સ અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેને વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ માત્ર ભારતના રમતગમતના પરિદ્રશ્યમાં એક મહત્ત્વપૂર્ણ પહેલ નથી, પરંતુ યુવાનોને પ્રેરણા આપવા માટે એક મોટું પગલું પણ માનવામાં આવે છે.