India VS England 2nd Test: ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચ 336 રનથી જીતી લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો પીછો કરતા ઈંગ્લેન્ડ ટીમ બીજી ઈનિંગમાં 271 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીતને કારણે ભારતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ભારતીય ટીમની જીતમાં 5 ફેક્ટરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના 269 અને 161 રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની 6 વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના 58 વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.
ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા 608 રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 271 રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 6 એમ ટેસ્ટમાં કુલ 10 વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
ગિલની શાનદાર કેપ્ટનશીપ અને શાનદાર બેટિંગ
કેપ્ટન શુભમન ગિલની બે સદીએ ભારતીય ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે પહેલી ઈનિંગમાં 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે બીજી ઈનિંગમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને 161 રન બનાવ્યા. એટલે કે, આ મેચમાં શુભમનના બેટમાંથી 430 રન આવ્યા. શુભમન ગિલની કેપ્ટનશીપ પણ છેલ્લી મેચ કરતા સારી રહી.
કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં 1-1 થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ 10મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.
એજબેસ્ટન ટેસ્ટમાં ભારતના 587 ના પ્રથમ ઈનિંગના સ્કોર સામે ઈંગ્લેન્ડે 407 રન કર્યા હતા.
પ્રથમ ઈનિંગમાં180 રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ 6 વિકેટે 427 રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ 3 વિકેટે 72 રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે 88 રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં 6 વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ 1-1 વિકેટ મેળવી હતી.