India Test squad for England tour 2025: BCCIએ ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. 18 સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
લાંબા સમય પછી વાપસી કરનાર બેટ્સમેન કરુણ નાયરને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ફિટનેસના કારણોસર ટીમમાં સ્થાન મળ્યું નથી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. શ્રેયસ ઐયર પણ આ ટીમનો ભાગ નથી. જ્યારે સરફરાઝ ખાનને પડતો મૂકવામાં આવ્યો છે. ટીમ પસંદગી માટેની બેઠક મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્યાલયમાં યોજાઈ હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયા અને અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિના સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદમાં અજિત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી. રોહિત શર્મા તાજેતરમાં નિવૃત્ત થયા બાદ શુભમન ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે સ્થાન લેશે. તે 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી આગામી પાંચ મેચની શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે. ગિલે પાંચ T20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાં ચારમાં જીત મેળવી છે અને 25 IPL મેચોમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી છે.
આ પણ ખાસ વાંચો : મહેસૂલ રેવન્યુ તલાટી ભરતી 2025
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઇંગ્લેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી
ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ સારો રહ્યો નથી. ભારતે અત્યાર સુધીમાં (1932-2022) ઇંગ્લેન્ડ સામે તેમના ઘરઆંગણે 67 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ભારતે ફક્ત 9 ટેસ્ટ જીતી છે, જ્યારે તેને 36 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 મેચ ડ્રો પણ થઈ હતી. ઈંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે એમએસ ધોની (2011-2014)નો રેકોર્ડ સૌથી ખરાબ હતો. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 9 ટેસ્ટ મેચમાંથી ફક્ત એક જ જીત મેળવી હતી, જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
પહેલી ટેસ્ટ : 20-24 જૂન, 2025 – હેડિંગ્લી, લીડ્સ બીજી ટેસ્ટ: 02-06 જુલાઈ, 2025 – એજબેસ્ટન, બર્મિંગહામ ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 – લોર્ડ્સ, લંડન ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 – ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર પાંચમી ટેસ્ટ : 31 જુલાઈ – 04 ઓગસ્ટ, 2025 – ધ ઓવલ, લંડન