Gujarat Rain Update: છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. એવામાં વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવરિત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. એવામાં લોકોએ કામધંધા મૂકીને ઘરે રહેવા મજબૂર થવું પડ્યું હતું. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતા યાલ મોવી પુલ વરસાદમાં ધાવાઈ ગયો છે.
પુલ તૂટી જતા લોકોને હાલાકી
મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે મોવી ડેડીયાપાડા રોડ પરનો પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે. ગત વર્ષે પણ ચોમાસામાં આ પુલ ધોવાઈ ગયો હતો. જોકે, બાદમાં તેને કામચલાઉ ધોરણે બનાવવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી પાછો આ વર્ષે વરસાદ આવતાની સાથે પુલ ધોવાઈ ગયો છે. નદીમાં જ્યારે-જ્યારે પાણી આવે છે, ત્યારે આ પુલ ધોવાઈને તૂટી જાય છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બને છે.
આ સિવાય નર્મદાના લાછરસ ગામમાં પાણી ભરાયા હતા. ગામમાં પાણીમાં એક ગાડી તણાઈ ગઈ હતી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ ગ્રામજનોએ રેસક્યુ કરીને ગાડીમાં બેસેલા વાહનચાલકોને બચાવી લીધા હતા. ગ્રામજનોએ ગાડીને પણ ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, ગાડી ક્યાંથી આવી હતી તે વિશે કોઈ માહિતી સામે નથી આવી.
નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેને કારણે નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. દર વર્ષે નર્મદા જિલ્લામાં અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે, તેમ છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવતી. સ્થાનિકોનું કહેવું છે કે, પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે લોકોએ આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.