ગુજરાતમાં વાદળો ફરી ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યાં છે. જુલાઈના મધ્યમાં જ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને મોસમ વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી બહાર પાડતાં લોકો અને વહીવટી તંત્રને એલર્ટ કરી દીધાં છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હળવો થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, પણ હવે કેટલીક જગ્યાએ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હાલ વરસાદી માહોલ વધુ ગંભીર બની શકે છે
રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. હવામાન વિભાગે સાંજે વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 6 જિલ્લામાં રેડ એલર્ટ અને 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે (શુક્રવાર) 6 થી 12ના સમયગાળામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. 6 કલાકની અંદર 4.17 ઈંચ વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા આખી રાત લોકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. એવામાં સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા સારવાર લેતા દર્દીઓથી લઈને પરિજનો અને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્દીના વોર્ડ સુધી પાણી ભરી જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની 3 ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 4,278 નાગરિકોનું સ્થળાંતર અને 689 નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.
GSRTCની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરાઈ નથી
ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ 14,598 એસ.ટી. રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.