Eng vs Ind 2nd Test: ઈંગ્લેન્ડ સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય યુવા ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની આ યુવા ટીમે લીડ્સ પછી એજબેસ્ટનમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે. ભારતે લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે પાંચ સદી ફટકારી હતી, જ્યારે એજબેસ્ટનમાં કેપ્ટન શુભમન ગિલે પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં એક સદી ફટકારી હતી. આ ઉપરાંત પાંચ અડધી સદી પણ ફટકારવામાં આવી હતી અને ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એક જ મેચમાં 1000 રનનો આંકડો પાર કર્યો હતો. અગાઉ ભારતીય ટીમે વર્ષ 2004માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 916 રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં 1000થી વધુ રન બનાવનારી ટીમો
ભારત પહેલા પાંચ ટીમો એક ટેસ્ટ મેચમાં 1000થી વધુ રન બનાવી શકી હતી. ભારત પાંચમી ટીમ બની ગઈ છે. ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે. ઈંગ્લેન્ડે 1930માં વેસ્ટ ઈન્ડીઝ સામે 1121 રન બનાવ્યા હતા. જ્યારે, ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચમાં બે વાર 1000થી વધુ રન બનાવ્યા છે.
•1121 – ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ, કિંગ્સ્ટન (વર્ષ 1930)
•1078 – પાકિસ્તાન અને ભારત, ફૈસલાબાદ (વર્ષ 2006)
•1028 – ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ, ધ ઓવલ (વર્ષ 1934)
•1014 – ભારત અને ઈંગ્લેન્ડ, એજબેસ્ટન (વર્ષ 2025)
•1013 – ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ, સિડની (વર્ષ 1969)
•1011 – દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ, ડર્બન ( વર્ષ 1939)
ભારતીય ટીમ જીત તરફ
ઉલ્લેખનીય છે કે, એજબેસ્ટન ટેસ્ટમાં ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આજે (પાંચમી જુલાઈ) છેલ્લા દિવસે ભારતીય ટીમને જીતવા માટે ફક્ત સાત વિકેટની જરૂર છે. જ્યારે ઈંગ્લેન્ડને જીતવા માટે 536 રનની જરૂર છે. જો ભારત શુભમન ગિલના નેતૃત્વમાં જીતવામાં સફળ રહે છે, તો એજબેસ્ટનના 123 વર્ષના ઈતિહાસમાં આ તેનો પહેલો વિજય હશે.