IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ આ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને બદલો લેવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. ભારતીય ટીમે ત્રણ ફેરફાર કર્યા છે.
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બુધવારે રમત પૂર્ણ થવા સુધી 5 વિકેટ પર 310 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 114 અને રવિન્દ્ર જાડેજા 41 રન બનાવીને અણનમ પરત ફર્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે અણનમ 99 રનની ભાગીદારી કરી.
શુભમન ગિલે બુધવારે એજબેસ્ટન ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો. તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાં સેન્ચુરી ફટકારનાર નવમો વિદેશી કેપ્ટન અને બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ડોન બ્રેડમેન (1938), ગેરી સોબર્સ (1966), મોહમ્મદ અઝહરુદ્દીન (1990) અને હવે ગિલ (2025)નો આ ખાસ ક્લબમાં સમાવેશ થાય છે
ગિલે પહેલી બે ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ
તેમજ શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને વધુ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી (જેણે કેપ્ટન તરીકે પહેલી ત્રણ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી), વિજય હજારે, સુનીલ ગાવસ્કર, શુભમન ગિલનો સમાવેશ થાય છે. એવામાં હવે જો ગિલ વધુ એક સેન્ચુરી ફટકારે છે, તો તે કોહલીના રેકોર્ડની બરાબરી કરી શકે છે.
ગિલની ઇનિંગ્સ હજુ પણ ચાલુ
શુભમન ગિલે પોતાના ટેસ્ટ કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ રેકોર્ડ બનાવવાનું શરુ કરી દીધું છે. હેડિંગ્લી ખાતેની પહેલી ટેસ્ટમાં 147 રન બનાવ્યા બાદ, તેણે બીજી ટેસ્ટ (એજબેસ્ટન)ના પહેલા દિવસે અણનમ 114 રન બનાવ્યા. જ્યારે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે તેની ઇનિંગે ભારતને 310/5 સુધી પહોંચાડ્યું.
કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો ગિલ
ગિલ હવે કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ, આ સિદ્ધિ વિરાટ કોહલી, વિજય હજારે અને સુનીલ ગાવસ્કરે હાંસલ કરી હતી. આ ઉપરાંત, ગિલ એજબેસ્ટનમાં સેન્ચુરી ફટકારનાર બીજો ભારતીય કેપ્ટન (પ્રથમ વિરાટ કોહલી) અને ત્યાં 50+ રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન (ધોની અને કોહલી સાથે) બન્યો.