Rainfall In Gujarat: સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં આજે (28 જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે. જેમાં 11 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુંં છે
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (28 જૂન) સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, મોરબી, વડોદરા, પંચમહાલ, ભરુચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શનિવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહ્લાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે.
દ્વારકામાં આજે વહેલી સવારથી તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન, વરસાદને લીધે દ્વારકાધીશજી મંદિરના શિખર પર ધ્વજા ચડાવવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બનતા વૈકલ્પિક જગ્યાએ બાવનગજની ધ્વજા ચડાવાઇ હતી, જ્યારે ગોમતી ઘાટે મોટાં મોજા ઉછળ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવાર ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી. બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સવારે ભારે પવન સાથે વરસાદ હોવાથી જગત મંદિરના શિખર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરના શિખર ઉપર ચડવું જોખમી બન્યું હતું. તેથી ભગવાન દ્વારકાધીશની ૫૨ ગજની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે પવન અને વરસાદી માહોલ હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવાય છે. વરસાદના પગલે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયો ગાંડોતુર થયો હોય તેમ ગોમતીઘાટ ઉપર 12થી 15 ફૂટ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ઘાટ ઉપર તે પાણી વહેતા થયાના દ્રશ્યો કેદ થયા હતા.
સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં 2.40 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવવામાં આવી છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 જુલાઈ સુધી રાજ્યના 13થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે (28 જૂન) સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના લખપતમાં માત્ર બે કલાકમાં 1.81 ઈંચ વરસાદ પડ્યો છે, ત્યારે ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.