Rain In Gujarat: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (26મી જૂન) સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઈંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઈંચ, સુરતના બારડોલીમાં 3.46 ઈંચ અને કામરેજમાં 2.95 ઈંચ વરસાદ ખાબક્યો છે.
તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 20 તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૪ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 83 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 26મી જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે
27થી 29 જૂનની આગાહી
રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
30 જૂન અને 01 જુલાઈની આગાહી
30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.