Jamnagar Rain Update: જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરુ થયો છે. જોડિયા, કાલાવડ અને જામજોધપુર જેવા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં બે ડેમ છલકાયા છે. ત્યાર જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે શહેર વાસીઓ માટે આગામી એક વર્ષની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ 24 કલાકમાં જ ચિત્ર ફેરવી નાખ્યું છે. મોસમના પ્રથમ વરસાદમાં જ 25માંથી 23 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને એક ફૂટથી ચાર ફૂટ સુધીનું નવું પાણી આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફલો થઈ ગયો છે. હાલ તેમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરાંત વાગડિયા ડેમ પણ ઓવરફલો થયો છે
અન્ય પાંચ જળાશયો જેમાં સપડા, વિજરખી, ફુલજર-2, રૂપાવટી, અને કોટડાબાવીસી જે ડેમો 70થી 80 ટકા ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ઈરીગેશન વિભાગ દ્વારા પાંચેય ડેમના નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવનાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રે ઍલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અને આવશ્યક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આપદા નિવારણ દળ (NDRF) અને રાજ્ય આપદા નિવારણ દળ(SDRF)ની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શરુ કરી શકાય.