International Yoga Day: આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે.
અમરેલીમાં પણ યોગ દિવસની ઉજવણી
11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે અમરેલીના સાંસદ ભરત સુતરિયાની હાજરીમાં યોગ દિવસની ઉજવણી લાઠીમાં થઇ હતી. અહીં તાલુકા શાળામાં કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં લોકોએ ઉત્સાહેભર ભાગ લીધો હતો. દરમિયાન સાંસદ ભરતે કહ્યું હતું કે તમામનું શરીર સ્વસ્થ રહે તે માટે યોગા કરવા ખુબ જ જરૂરી છે.
દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં છે. અહીં જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, “જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર કરું છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળે અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા.”
યોગ લોકોની જીવનશૈલીનો ભાગ બન્યો
તેમણે વધુમાં કહ્યું કે આજના વિશ્વમાં આ પ્રકારનો ટેકો સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે, 11 વર્ષ પછી, આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.
191 દેશોમાં યોગ દિવસની ઉજવણી
વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. સરકાર દ્વારા 10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થશે.
યોગ લોકોની દિનચર્યાનો ભાગ બન્યાં
છેલ્લા 11 વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. ભારતે યોગને વિશ્વની જીવનશૈલી સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે, વિશ્વના ઘણા ભાગોમાં લોકોએ યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવ્યો છે.