Gujarat Rain: સતત બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં મુશળાધાર વરસાદી માહોલ રહેતા વલસાડના અનેક વિસ્તારો છે તો અનેક રસ્તાઓ વાહનો માટે બંધ કરવામાં આવ્યાં હોવાની વિગતો મળી રહી છે. હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ અતિભારે વરસાદના એંધાણ જોવા મળે છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી, સુરતમાં ભારે વરસાદના એંધાણ છે. ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરુવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં 14.24ઈંચ, ધરમપુરમાં 11.04 અને વાપીમાં 10.24ઈંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. એ સિવાય 39 કલાક દરમિયાનની વાત કરવામાં આવે તો ડાંગના આહ્વામાં 12.36 ઈંચ, વઘઈમાં 11.32 અને સુબીર તાલુકામાં 9.40 ઈંચ વરસાદ થયો છે.
ભારે વરસાદને પગલે એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ભાવનગરમાંથી 89, અમરેલીમાંથી 69, બોટાદમાંથી 24, ગાંધીનગરમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ ભાવનગરથી 729, સુરેન્દ્રનગરથી 117, બોટાદથી 117 અને અમરેલીથી 80ને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 19મી જૂનના બપોરની સ્થિતિએ સુરેન્દ્રનગરના 3, આણંદના 1 એમ ચાર સ્ટેટ હાઈવે, જ્યારે ભાવનગરના 1 નેશનલ હાઇવે સહિત 196 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેમાં ભાવનગરના સૌથી વધુ 60, વલસાડના 49 રસ્તાઓ બંધ છે.