Heavy Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ચૂકી છે. 16 જૂને ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બોટાદના ગઢડામાં 13.9 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે પાલિતાણામાં 11.9 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે શિહોરમાં 11.6 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બોટાદમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના 128 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે સાત જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી છે.
ભાવનગરમાં મુશળાધાર વરસાદ ખાબક્યો છે. જેસરમાં 10 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોનો પાણીમાં ગરકાવ થયો છે. તલગાજરડામાંથી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિના કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે.
18-19 જૂનની આગાહી
18-19 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.